હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીમાં વધારો જોવા મળી શકે છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે. હજૂ આગામી કેટલાક દિવસો ગરમીનો ત્રાસ વધશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી છે કે આગામી પાંચ દિવસ ગરમી કહેર મચાવશે.જેમાં સૌરાષ્ટ્રથી લઇને કચ્છ અને ઉત્તર ગુજરાતથી લઇને મધ્ય ગુજરાત સુધીમાં લોકો ગરમીથી ત્રાહીમામ્ પોકારી ગયા છે. સવારની સાથે ગરમીનો પારો ઉંચે જતો રહે છે.
ત્રણ દિવસ ભારે હીટવેવની આગાહી
હવામાન વિભાગે જણાવ્યું હતું કે 27 થી 31 માર્ચ દરમિયાન પશ્ચિમ હિમાલય ક્ષેત્ર અને ઉત્તર પશ્ચિમ ભારતના આસપાસના મેદાનોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.IMDએ કહ્યું કે 30 માર્ચથી 1 એપ્રિલ સુધી પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદ પડશે. ઉત્તર-પૂર્વ ભારતમાં અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય અને સિક્કિમ સહિત ઘણા રાજ્યોનો સમાવેશ થાય છે.હવામાન વિભાગે ગુરુવારે (28 માર્ચ, 2024) જમ્મુ અને કાશ્મીર, હરિયાણા, પશ્ચિમ યુપી અને હિમાચલ પ્રદેશમાં ગાજવીજની ચેતવણી આપી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આવું થશે.હવામાન વિભાગે કહ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હરિયાણા અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં પણ વરસાદની સંભાવના છે.
વિસ્તાર પ્રમાણે કેટલુ રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં અમદાવાદ,ભાવનગર, પાલનપુરમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. વડોદરામાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ રાજકોટ, ભૂજ, સુરત,વલસાડ સહિતના વિસ્તારમાં 33ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત પોરબંદરમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.
લૂ લાગવી એટલે શું?
હિટ સ્ટ્રોક એટલે કે લૂ લાગવાની સ્થિતિ મુશ્કેલ હોય છે. શરીર તાપમાન કંટ્રોલ ન કરી શકે ત્યારે લૂ લાગી તેમ કહી શકાય. લૂ લાગે ત્યારે શરીરનું તાપમાન ખૂબ ઝડપથી વધવા લાગે છે અને તેને નિયંત્રણમાં લેવું મુશ્કેલ હોય છે. કોઈ વ્યક્તિને લૂ લાગે ત્યારે તેના શરીરમાં રહેલું પરસેવા માટેનું મેકેનિઝમ પણ ફેલ થઈ જાય છે. જેથી તેને પરસેવો વળતો નથી. હીટ-સ્ટ્રોક લાગે ત્યારે 10થી 15 મિનિટની અંદર શરીરનું તાપમાન 106 ડિગ્રી ફેરનહીટ અથવા તેનાથી વધુ થઈ શકે છે. જો સમયસર તેની સારવાર કરવામાં ન આવે તો વ્યક્તિનું મૃત્યુ કે ઓર્ગન ફેઈલ થઈ શકે છે.
લુ લાગવાના લક્ષણો
- માથાનો દુ:ખાવો
- ચિત્તભ્રમ
- તીવ્ર તાવ
- બેભાન થવું
- માનસિક સ્થિતિ વણસવી
- ઉબકા અને ઊલટી
- ત્વચાની લાલાશ
- હૃદયના ધબકારામાં વધારો
- ત્વચાને નરમ થઈ જવી
- ત્વચા સૂકાવી
લૂ થી બચવાના ઉપાયો
સુતરાઉ કપડાં પહેરો
ઉનાળામાં સનસ્ટ્રોકથી બચવા સુતરાઉ કપડાં પહેરો. તમે ઉનાળા માટે હળવા રંગો પસંદ કરી શકો છો. તમે આ કપડાંમાં ખૂબ જ આરામદાયક અનુભવશો.
ડુંગળીની પેસ્ટનો ઉપયોગ કરો
હીટ સ્ટ્રોકથી બચવા માટે ડુંગળીની પેસ્ટનો ઉપયોગ કરો. આ એક ઘરેલું ઉપાય છે. ડુંગળીનો રસ કપાળ, કાન પાછળ અને છાતી પર લગાવવાથી શરીરનું તાપમાન ઓછું રહે છે.
પુષ્કળ પાણી પીવો
ઉનાળામાં પુષ્કળ પાણી પીવો. પાણી તમારા શરીરને સારી રીતે હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. પાણી માત્ર તમને હાઈડ્રેટ જ રાખતું નથી પરંતુ તે તમારી ત્વચાને પણ સ્વસ્થ રાખે છે. જેના કારણે ખીલ જેવી સમસ્યાનો સામનો કરવો પડતો નથી. તે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. તે તમારા શરીરને ઠંડુ રાખે છે. હીટ સ્ટ્રોક સામે રક્ષણ કરવામાં મદદ કરે છે. પૂરતું પાણી પીવાથી ગરમીથી રાહત મળશે.
છાશ
ઉનાળામાં તમે નિયમિતપણે એક ગ્લાસ છાશનું સેવન કરી શકો છો. તે બપોરે ભોજન સાથે લઈ શકાય છે. તે તમને સનસ્ટ્રોકથી બચાવવામાં મદદ કરે છે. તે તમને ઉનાળામાં શરીરનું તાપમાન જાળવી રાખવામાં મદદ કરે છે. તેમાં સારા બેક્ટેરિયા હોય છે. તેઓ પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેમાં ઘણા પ્રકારના વિટામિન્સ, મિનરલ્સ અને ઘણા પ્રકારના પોષક તત્વો પણ હોય છે.
કાચી કેરી
કાચી કેરી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. ઉનાળાની ઋતુમાં તમે કાચી કેરીનું સેવન કરી શકો છો. તેઓ તમને હીટ સ્ટ્રોકથી બચાવવામાં મદદ કરે છે. આ સિવાય તમે તેને અનેક પ્રકારની વાનગીઓમાં પણ સામેલ કરી શકો છો.